વાવાઝોડું શક્તિ દ્વારકાથી 960 કિમી દૂર પહોંચ્યું છે અને 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે, તો હવામાન વિભાગે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે, પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમ તરફ શક્તિ આગળ વધ્યું છે વાવાઝોડું અને વાવાઝોડાની અસરને પગલે વરસાદની સંભાવના રહેલી છે, દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડશે અને 8-9 ઓક્ટોબરે કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે, સૌથી વધુ દહેગામમાં 1.77 ઇંચ વરસાદ, જોડિયામાં 1.18 ઇંચ, ગાંધીનગરમાં 0.67 ઇંચ વરસાદ, ચુડામાં 0.55 ઇંચ, અમદાવાદમાં 0.47 ઇંચ વરસાદ, બોટાદમાં 0.43 ઇંચ, મેઘરજમાં 0.31 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગુજરાત પર શક્તિ વાવાઝોડાનો ખતરો
ગુજરાતમાં શકિત વાવાઝોડાનો ખતરો દેખાઈ રહ્યો છે, 110 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટકી શકે છે વાવાઝોડું, સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે અને વાવાઝોડું કચ્છ-દ્વારકાના દરિયાકાંઠે વ્યાપક અસર કરશે, 24 કલાકમાં વાવાઝોડું વિકરાળ સ્વરુપ ધારણ કરી શકે છે.
રાજ્યમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની આગાહી
અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની શકયતા રહેલી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વીજળીના કડાકા સાથે વરસાદ પડી શકે છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે અને આગામી 24 કલાક માટે બંદરો પર LCS-3 સિગ્નલ લાગુ કરાયું છે, દક્ષિણના દરિયાકાંઠે DC-1 સિગ્નલ લગાવાયું છે અને અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે, ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહી શકે છે.
સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે
રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૧૫.૧૦ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ ૧૪૦.૨૩ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૨૦.૧૯ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૫.૫૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૨૧.૭૨ ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં ૧૦૧.૯૬ ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આવેલ નર્મદા ડેમ ૯૭.૩૨ ટકા તેમજ અન્ય ૨૦૬ જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના ૯૫.૧૦ ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે ૧૪૬ ડેમ હાઇ એલર્ટ, ૧૭ ડેમ એલર્ટ અને ૧૪ ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.









