ગુજરાતમાં ચોમાસાનો માહોલ ફરી એકવાર બરાબરનો જામ્યો છે. હવામાન વિભાગની તાજેતરની માહિતી પ્રમાણે હાલમાં રાજ્ય પર એકસાથે 5 જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. આ સિસ્ટમ્સના પ્રભાવથી આગામી બે દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના સરહદી વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે.
મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યના સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ઉપરાંત દમણ તેમજ દાદરા અને નગર હવેલી માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, આગામી 7 દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદી માહોલ જળવાયેલો રહેશે.
