રાજ્યમાં મેઘરાજાનું જોર સતત વધી રહ્યું છે અને મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાત્રે 10 વાગ્યે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે રૂબરૂ પહોંચશે.ત્યાં તેઓ વિવિધ જિલ્લા તંત્રો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વરસાદની વર્તમાન સ્થિતિ,પૂરની શક્યતાઓ અને હાથ ધરાયેલી રાહત-બચાવ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરશે. બીજી તરફ ભારે વરસાદને કારણે રાજ્યમાં રોડ રસ્તા અને માર્ગો બંધ કરવામાં આવ્યા છે.
કુલ 1201 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા
રાજ્યમાં પડેલા ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પર માઠી અસર પડી છે અને કુલ 1201 જેટલા રસ્તાઓ બંધ થઈ ગયા છે.જેમાં 7 નેશનલ હાઇવેનો પણ સમાવેશ થાય છે. જેમાં વલસાડના 3 તેમજ તાપી, ભરૂચ, છોટાઉદેપુર અને નવસારીના 1-1 નેશનલ હાઇવે પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.આ ઉપરાંત, રાજ્યમાં 26 સ્ટેટ હાઇવે અને 1109 પંચાયત હસ્તકના રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે.વરસાદનું સૌથી વધુ નુકસાન દક્ષિણ ગુજરાતમાં જોવા મળ્યું છે.જ્યાં એકલા વલસાડ જિલ્લાના જ 478 અને નવસારી જિલ્લાના 256 રસ્તાઓ બંધ થતાં અનેક ગામડો સંપર્કવિહોણા બન્યા છે.
