અમદાવાદમાં સવારથી જ શરૂ થયેલા મુસળધાર વરસાદને કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને પશ્ચિમ અમદાવાદના વસ્ત્રાપુર,AEC ચાર રસ્તા, વિજય ચાર રસ્તા, શાસ્ત્રીનગર અને થલતેજ જેવા મુખ્ય માર્ગો તેમજ વિસ્તારો જળમગ્ન બન્યા છે. માર્ગો પર પાણી ફરી વળતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જ્યારે મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક સ્થળે વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા.

ઘોડાસરમાં વાનરવાડી તળાવ ફાટતાં રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

અમદાવાદ પૂર્વ વિસ્તારમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઘોડાસર વિસ્તારમાં આવેલું વાનરવાડી તળાવ ફાટ્યું છે. તળાવમાં પાણીની આવક વધતાં જ તળાવની પાળ તૂટી ગઈ હતી અને તેના પાણી આસપાસના મુખ્ય રસ્તાઓ તથા રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. રસ્તાઓ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહેતો થતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાયો હતો, જેના પગલે લોકોને ના છૂટકે પોતાનો રોજિંદો રસ્તો બદલીને અન્ય માર્ગે જવાની ફરજ પડી હતી.

ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો

અમદાવાદમાં પડેલા ભારે વરસાદ અંગે AMC કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું કે, શહેરમાં માત્ર ત્રણ કલાકના ટૂંકા ગાળામાં ધોધમાર વરસાદ વરસ્યો છે, જેમાં ખાસ કરીને SG હાઇવે, જોધપુર, વેજલપુર અને સૌથી વધુ સરખેજ તથા બોપલ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે. કમિશનરે સ્પષ્ટ કર્યું કે AMC સ્થિતિ પ્રત્યે સંપૂર્ણ સજ્જ છે અને ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઓછી જગ્યાઓએ પાણી ભરાયા છે. છતાં પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તમામ અધિકારીઓ ફિલ્ડમાં તૈનાત છે. કામગીરીને વધુ ઝડપી બનાવવા માટે સાઉથ-વેસ્ટ અને નોર્થ-વેસ્ટ ઝોનમાં એક-એક વધારાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર (DyMC) ની નિયુક્તિ કરવામાં આવી છે. આગામી બે દિવસ પણ ભારે વરસાદની આગાહી હોવાથી સાવચેતીના ભાગરૂપે તમામ શાળા-કોલેજો બંધ રાખવા સૂચના આપી દેવામાં આવી છે.

ભૌગોલિક કટોકટી અને નાગરિકો માટે સલાહ

શહેરના અલગ-અલગ વિસ્તારોની પરિસ્થિતિ અંગે વિગતો આપતાં કમિશનરે જણાવ્યું કે હાટકેશ્વર અને મંથન ચોકડી જેવા વિસ્તારોમાં આ વખતે ઓછું પાણી ભરાયું છે, જ્યારે ઇસ્કોન અને આરોહી સોસાયટી જેવા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે. ખાસ કરીને નોર્થ-વેસ્ટ ઝોનની ૮૦ સોસાયટીઓમાં પાણી ભરાયા છે. બોપલ-ઘૂમા વિસ્તારની ભૌગોલિક રચના 'રકાબી' જેવી હોવાથી અને ત્યાંની માટીની પાણી શોષવાની ક્ષમતા ઓછી હોવાના કારણે ત્યાં પાણીનો ભરાવો વધુ જોવા મળ્યો છે. કમિશનરે નાગરિકોને અપીલ કરી છે કે વરસાદ દરમિયાન લાઈટના પોલથી દૂર રહેવું. પાણી ઓસરે ત્યારે વિશેષ ધ્યાન રાખવું અને રોગચાળો ન ફેલાય તે માટે લોકો પાણી ઉકાળીને પીવે, જોકે AMC દ્વારા સંપૂર્ણ ક્લોરિનયુક્ત પાણી જ પૂરું પાડવામાં આવશે.

વરસાદ અને રાહત કામગીરી અંગે AMCનું નિવેદન

શહેરમાં વરસાદી સ્થિતિ અંગે AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવે પ્રેસ કોન્ફરન્સ યોજી વિગતો આપી હતી.તેમણે જણાવ્યું કે શહેરમાં સવારથી સરેરાશ 113મીમી વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સરખેજ વોર્ડમાં 10 ઇંચ અને બોપલમાં 9 ઇંચ વરસાદ પડ્યો છે.ઓછા સમયમાં ભારે વરસાદને કારણે 148 માંથી 82 જગ્યાઓ પર પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, જેમાંથી 6 અંડરપાસ ફરી શરૂ કરી દેવાયા છે.વધુમાં,ફાયર બ્રિગેડે ૫૦થી વધુ ફસાયેલા લોકો અને બાળકોનું સફળ રેસ્ક્યુ કર્યું છે અને પાણીના નિકાલ માટે ૨૬ વરુણ પંપ કાર્યરત કરાયા છે.

આ પણ વાંચોઃ Gujarat Rain News: છેલ્લા 70 વર્ષમાં ચેરાપૂંજી બાદ ઉમરગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 41 ઈંચ