વિરમગામ શહેરમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ હજુ પણ યથાવત છે. મેઘરાજાએ વિરામ લીધાના 5-5 દિવસ વીતી ગયા હોવા છતાં પણ અનેક વિસ્તારોમાંથી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. ખાસ કરીને વિરમગામ એસ.ટી. બસ સ્ટેન્ડ પરિસરમાં 3 ફૂટ જેટલાં ઘૂંટણસમા પાણી ભરાયેલા રહેતાં ડેપો તંત્ર અને મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
ડેપો બહારથી બસોનું સંચાલન કરવા તંત્ર મજબૂર
બસ સ્ટેન્ડ પરિસરમાં જળભરાવના કારણે એસ.ટી. બસોને અંદર લઈ જવી શક્ય ન હોવાથી તંત્ર દ્વારા તમામ બસોને બસ સ્ટેન્ડની બહાર રોડ પર ઊભી રાખવાની નોબત આવી છે. જોકે, આ વિકટ પરિસ્થિતિ વચ્ચે મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આજથી અનેક રૂટ પરની એસ.ટી. બસ સેવાઓ પુનઃ શરૂ કરી દેવામાં આવી છે, જેથી લોકોને થોડી રાહત મળી છે.
