અમદાવાદ ગ્રામ્યના વિરમગામ વિસ્તારમાં આફતરૂપ સાબિત થયેલા ભારે વરસાદને એક મહિનો જેટલો લાંબો સમય વીતી ગયો હોવા છતાં, હજુ સુધી વરસાદી પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. વિરમગામ-અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા ખેતરો હજુ પણ સંપૂર્ણપણે જળમગ્ન સ્થિતિમાં છે. ખાસ કરીને બાયપાસ પર આવેલા એફસીઆઈ (FCI) ગોડાઉન પાસેની 350 વીઘાથી પણ વધુ જમીન પાણીમાં ગરકાવ થયેલી છે. ખેતરોમાં બેથી ત્રણ ફૂટ સુધી પાણી ભરાયેલા રહેતા તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે સ્થાનિક ખેડૂતો ભારે આર્થિક સંકટમાં મુકાયા છે.

રેલવે ઓવરબ્રિજના કામકાજમાં ગરનાળું પુરાતાં પાણીનો નિકાલ અટવાયો

ખેતરોમાંથી પાણી ન ઓસરવા પાછળ તંત્રની ઘોર બેદરકારી સામે આવી રહી છે. વિરમગામ બાયપાસ રોડ પર બાજુમાં ચાલી રહેલા રેલવે ઓવરબ્રિજના કામકાજ દરમિયાન પાણીના નિકાલ માટેનું ગરનાળું બુરાઈ ગયું છે. કાયમી ગરનાળું બંધ થઈ જવાના કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ બિલકુલ અટકી ગયો છે. પરિણામે, ખેતરોમાંથી પાણી બહાર જઈ શકતા નથી અને પાણીનો ભરાવો સતત વધી રહ્યો છે, જેણે આજુબાજુના તમામ ખેડૂતોની ચિંતામાં મોટો વધારો કર્યો છે.

ડાંગરનો ઉભો પાક નષ્ટ, ખેડૂતોએ કરી યોગ્ય વળતર અને પાણી નિકાલની માંગ

ખેતરોમાં સતત એક મહિનાથી પાણી ભરાયેલા રહેવાના કારણે ખેડૂતોએ વાવેલો ડાંગર સહિતનો તમામ ઉભો પાક સંપૂર્ણપણે સડી જતાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની આ આખી સીઝન જ ફેઈલ ગઈ છે અને ખેતરોમાંથી પાણી સુકાતા ન હોવાથી હાલ નવી ખેતી કે વાવણી કરી શકાય તેવી પણ સ્થિતિ રહી નથી. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાને રાખીને પીડિત ખેડૂતોએ તંત્ર પાસે તાત્કાલિક ધોરણે પંપિંગ કે અન્ય વિકલ્પ દ્વારા પાણીનો યોગ્ય નિકાલ કરાવવાની અને થયેલા પાક નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવાની આક્રમક માંગ કરી છે.

આ પણ વાંચો : Junagadh News : ગિરનારની પવિત્રતા સાથે બાંધછોડ નહીં! દારૂના દૂષણ સામે સંતો મેદાને, પોલીસ તપાસની માંગ