ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર બેટિંગ કરવા માટે તૈયાર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં લો પ્રેશર અને મોનસૂન ટ્રફ સક્રિય થવાને કારણે વરસાદી માહોલ જામ્યો છે. વાતાવરણમાં આવેલા આ પલટાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાવાની અને ધોધમાર વરસાદ વસવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.

પૂર્વ અને મધ્ય ગુજરાતમાં યલો એલર્ટ, કયા જિલ્લાઓ રહેશે પ્રભાવિત?

રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને પગલે એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે સાથે મહીસાગર, વડોદરા, ભરૂચ અને સુરત પંથકમાં પણ મેઘરાજા મહેરબાન રહેશે અને ગાજવીજ સાથે વરસાદ પડવાનું અનુમાન છે.

દક્ષિણ ગુજરાત અને સંઘ પ્રદેશોમાં મેઘરાજાનું જોર

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના અને જંગલ વિસ્તારના જિલ્લાઓમાં વરસાદનું જોર વિશેષ જોવા મળી શકે છે. નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આ ઉપરાંત સંઘ પ્રદેશો જેમ કે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે નર્મદા અને છોટાઉદેપુર પંથકમાં પણ વરસાદી ઝાપટાં વરસી શકે છે.

https://twitter.com/sandeshnews/status/2101122869350846552

ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ

માત્ર દક્ષિણ કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદી માહોલ યથાવત રહેશે. ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ મેઘરાજાની હાજરી જોવા મળશે, જેનાથી ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ છે. નાગરિકોને હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો: 19 September Top News: PM મોદીનું દિલ્હીમાં સંબોધન, 19 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાય અને DUSU ચૂંટણી પરિણામો