ગુજરાતભરમાં ચોમાસાની તોફાની ઇનિંગનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા તાજા બુલેટિન અનુસાર, રાજ્યભરમાં આગામી ૫ દિવસ સુધી સાર્વત્રિક વરસાદી માહોલ જામશે. દક્ષિણ-પશ્ચિમી તેજ પવનો અને લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં વાદળો આકાશી આફત બનીને વરસી શકે છે. પરિસ્થિતિની ગંભીરતાને જોતા ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને એલર્ટ મોડ પર મૂકવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશો પર મોટું જોખમ
હવામાન વિભાગની આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં 'અતિભારે' વરસાદ પડવાની સંભાવના છે. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ મુશળધાર વરસાદ વરસી શકે છે, જ્યારે ડાંગ અને તાપી જિલ્લાના પહાડી-જંગલ વિસ્તારોમાં ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ જ સિસ્ટમની અસર હેઠળ સંઘપ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ રેડ એલર્ટ જેવી સ્થિતિ વચ્ચે વહીવટી સતર્કતા વધારી દેવામાં આવી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ પંથકમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
બીજી તરફ સમુદ્ર કિનારે આવેલા સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓમાં આગામી દિવસો ભારે સાબિત થઈ શકે છે. ખાસ કરીને અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગર પંથકમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. પવનની દિશા દક્ષિણ-પશ્ચિમ તરફ હોવાથી અને તેની ગતિ વધુ રહેવાની હોવાથી દરિયાકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં ભારે પૂરની સ્થિતિ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
માછીમારો માટે કડક ચેતવણી અને અમદાવાદ-ગાંધીનગરની સ્થિતિ
5 દિવસ 'નો-એન્ટ્રી': દરિયામાં સર્જાયેલા જોરદાર કરંટ અને તેજ પવનના કારણે હવામાન વિભાગે માછીમારોને આગામી ૫ દિવસ સુધી દરિયો ન ખેડવાની કડક તાકીદ કરી છે. બંદરો પર તકેદારીના પગલાં ભરવાનું શરૂ કરી દેવાયું છે.આ દરમિયાન, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના આંતરિક જિલ્લાઓમાં મોટી આફતની કોઈ શક્યતા નથી, અહીં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના આસપાસના વિસ્તારોમાં વાતાવરણ ઠંડકભર્યું રહેશે અને મુખ્યત્વે છૂટોછવાયો વરસાદ અથવા હળવા ઝાપટાં પડવાની સંભાવના છે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત મળશે.
આ પણ વાંચો: Vadodara: વોર્ડ નં. 11માં ખુદ પાલિકાની જ કચરાની ગાડી મસમોટા ભુવામાં ધસી ગઈ! વિકાસના દાવાઓ હવામાં ઉડ્યા