ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આજે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એમ બે-બે વરસાદી સિસ્ટમો એકસાથે સક્રિય થવાના કારણે હવામાનમાં પલટો આવ્યો છે. આગામી 24 કલાક દરમિયાન વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે, જેના પગલે વાતાવરણમાં ભેજ અને બફારાનું પ્રમાણ પણ જોવા મળશે.
આ 7 જિલ્લાઓમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે. જેમાં નવસારી, વલસાડ, ભરૂચ, ડાંગ અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં ક્યાંક ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.
