ગુજરાતમાં હવામાનને લઈને રાહતજનક સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી અને રાજ્યનું વાતાવરણ સંપૂર્ણપણે શુષ્ક રહેશે. વરસાદી સિસ્ટમ નિષ્ક્રિય થવાને કારણે ખેડૂતો અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આ ઉપરાંત, આગામી દિવસોમાં રાજ્યના મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો કે અચાનક ફેરફાર થવાની સંભાવના નથી, જેના કારણે તાપમાન યથાવત્ સ્થિતિમાં જળવાઈ રહેશે.
ઉત્તરથી ઉત્તર-પૂર્વીય પવનો ફૂંકાવાની શરૂઆત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હવે ઉત્તરથી ઉત્તર-પૂર્વીય દિશાના પવનો ફૂંકાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેના કારણે ધીમે-ધીમે ગુલાબી ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે. વહેલી સવારે અને મોડી રાત્રે હળવી ઠંડક અનુભવાઈ રહી છે. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છ પંથકનું નલિયા સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યાં લઘુત્તમ તાપમાન 17.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું નોંધાયું છે. રાજ્યમાં શિયાળાની આગોતરી એંધાણી વચ્ચે પર્વતીય વિસ્તારોમાંથી આવતા ઠંડા પવનો અસર બતાવી રહ્યા છે.
