હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી અનુસાર, ગુજરાત પર એકસાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આગામી 2 દિવસ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા અને 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે તેજ વરસાદ પડી શકે છે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને પૂર્વ પટ્ટાના જિલ્લાઓમાં મેઘરાજા રોદ્ર સ્વરૂપ ધારણ કરે, તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઓરેન્જ અને યલો એલર્ટ હેઠળના જિલ્લાઓ
હવામાન વિભાગે આપેલી ચેતવણી મુજબ, મહીસાગર જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત પંચમહાલ અને દાહોદ જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાને કારણે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ મેઘગર્જના અને વાવાઝોડા જેવા પવન સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.
https://twitter.com/sandeshnews/status/2087109835217375323
6 દિવસની વિગતવાર જિલ્લાવાર આગાહી
11 ઓગસ્ટની આગાહી - ભારેથી અતિભારે વરસાદનું સંકટ
આગાહી: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા અને સાબરકાંઠામાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ રહેશે. જ્યારે ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર અને ભાવનગરમાં મોટાભાગના સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.
એલર્ટ: મહીસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ. ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં યલો એલર્ટ.

12 ઓગસ્ટની આગાહી - પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર
આગાહી: દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ મધ્ય-ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદમાં ઘણા સ્થળોએ, જ્યારે રાજકોટ, અમરેલી, મોરબી, ગીર સોમનાથ, કચ્છમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
એલર્ટ: દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ યથાવત રહેશે.

13 ઓગસ્ટની આગાહી - વરસાદનું જોર ક્રમશઃ ઘટશે પરંતુ વરસાદી ઝાપટાં ચાલુ રહેશે
આગાહી: અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને સંઘપ્રદેશોમાં પણ વરસાદી માહોલ રહેશે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે.

14 ઓગસ્ટની આગાહી - રાજ્યભરમાં છૂટોછવાયો હળવો વરસાદ
આગાહી: ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ વગેરે અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં થોડા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદી છાંટા કે ઝાપટાં પડી શકે છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં પણ એકલ-દોકલ સ્થળોએ વરસાદી વહેણ જોવા મળશે.

15 ઓગસ્ટની આગાહી - સ્વતંત્રતા દિન પર વરસાદી વાતાવરણ
આગાહી: 15મી ઓગસ્ટે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે. સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ નોંધાઈ શકે છે.

16 ઓગસ્ટની આગાહી - વાદળછાયું વાતાવરણ અને હળવા ઝાપટાં
આગાહી: ઉત્તર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં થોડા સ્થળોએ વરસાદી માહોલ જળવાઈ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જિલ્લાઓ (સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ) તથા દીવમાં એકલ-દોકલ સ્થળોએ હળવો વરસાદ પડશે.

આ પણ વાંચો - Ahmedabad News: નિકોલ ગુરુકુળ સર્કલ અને રિંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ