ગુજરાતમાં ચોમાસાની સીઝન હોવા છતાં લોકો ગરમી અને ઉકળાટનો અહેસાસ કરી રહ્યા છે. ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાન અને બફારાની અસર જળવાઈ રહેશે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે, જેના કારણે ચોમાસાના દિવસોમાં પણ લોકોને ઉનાળા જેવી ગરમીનો સામનો કરવો પડશે.

આગામી 7 દિવસ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 સપ્ટેમ્બર સુધી સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી શક્યતા છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ અને નર્મદામાં કેટલાક સ્થળોએ વરસાદી માહોલ રહેશે. જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં કુલ વરસાદમાં 7 ટકા વરસાદની ઘટ નોંધાઈ

વર્તમાન ચોમાસામાં રાજ્યભરમાં સાર્વત્રિક અને ભારે વરસાદનો સળંગ સ્પેલ ન મળવાના કારણે ગુજરાતમાં આંકડાકીય રીતે વરસાદમાં 7 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં જ થોડા સ્થળોએ વરસાદ નોંધાયો હતો, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો અને સૌરાષ્ટ્રમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહ્યું હતું.

હવામાન સિસ્ટમ અને પવનોની વર્તમાન સ્થિતિ

હવામાન કાર્યાલય મુજબ, દક્ષિણ ઉત્તર પ્રદેશ અને અડીને આવેલા ઉત્તર-પૂર્વ મધ્ય પ્રદેશ પર લો-પ્રેશર સિસ્ટમ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. મોનસૂન ટ્રફ પણ મધ્ય ભારતમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉપરાંત, ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર ઉપલી હવામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. ગુજરાતના નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં ભારે વરસાદને બદલે માત્ર છૂટાછવાયા વિસ્તારોમાં જ હળવા ઝાપટાં જોવા મળશે.


આ પણ વાંચો - Weather Update: દેશની રાજધાની દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા