ગુરૂવારે અમદાવાદમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો હતો. શહેરમાં જ્યાં જુઓ ત્યાં જળભરાવ થયો હતો. વાહન ચાલકો રોડ પર જ ફસાઈ ગયા હતાં. અનેક સોસાયટીઓ અને મકાનો પાણીમાં ગરકાવ હતાં. સ્કૂલોનો છૂટવાનો સમય હતો આ દરમિયાન પણ અનેક સ્કૂલ વાન પણ પાણીમાં ફસાઈ ગઈ હતી. ગઈકાલે ખાબકેલા વરસાદના પાણીથી અમદાવાદીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતાં. 

ટેક્સ વસૂલાય છે પણ સુવિધા મળતી નથી

શહેરના ગુરૂકુળ વિસ્તારમાં ગઈકાલે ખાબકેલા વરસાદના પાણી હજી સુધી ઓસર્યા નથી. દુકાનો અને સોસાયટીઓમાં ઘૂસેલા પાણી હજી પણ ઠેરના ઠેર છે. ઘણી સોસાયટીઓમાંથી પાણી કાઢવા માટે ફાઈટલ પંપ મુકવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકથી પાણીમાં ગરકાવ થયેલી દુકાનોમાં પણ ભારે નુકસાન પહોંચ્યું છે. વેપારીઓએ તંત્ર દ્વારા કોઈ મદદ નહીં મળી હોવાનો આક્ષેપ કર્યો હતો. નવા રોડ બન્યા છતાં ગટરના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા જ નથી. તંત્ર અને સત્તાધિશોએ કરેલા પ્રિ મોન્સૂન કામગીરીના દાવા પોકળ સાબિત થયા છે. વેપારીઓનું કહેવું છે કે ટેક્સ વસૂલાય છે પણ સુવિધા મળતી નથી. છેલ્લા 30 વર્ષથી રહેલી આ સમસ્યાનું કોઈ પરિણામ નથી.  

આમ્રકુંજ સોસાયટીની દિવાલ તૂટતા પાણી સનસેટ રો હાઉસમાં ઘૂસ્યા

ગુરૂકુળ મંદિરથી લઈને ભૂયંગદેવ સુધીની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી. ઘણી સોસાયટીઓમાં હજી પણ વરસાદી પાણી ભરાયેલા છે. અહીં નોંધનીય બાબત એ છે કે, મેમનગરમાં આમ્રકુંજ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હતાં. જેના કારણે સોસાયટીની દિવાલ તૂટી હતી અને તે પાણી સનસેટ રો હાઉસમાં ઘૂસ્યા હતાં. આ પાણીના કારણે લોકોના ઘરમાં જાણે નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. સનસેટ રો હાઉસના લોકોનું કહેવું છે કે, નવા બનેલા રોડ ખૂબજ ઊંચા બનાવ્યા છે જેનું પાણી અમારી સોસાયટીમાં આવે છે. બીજી બાજુ આમ્રકુંજ સોસાયટીનું પાણી પણ દિવાલ તૂટી જવાને કારણે આવ્યું હતું. જેથી લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા હતાં. હજી પણ સનસેટ રો હાઉસ અને આમ્રકુંજ સોસાયટી પાણીમાં ગરકાવ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ધોળકામાં 14 ઇંચ વરસાદ ખાબકતાં અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ, કાંઠાના ગામોને એલર્ટ કરાયા