હવામાન વિભાગની નવીનતમ આગાહી મુજબ રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સામાન્ય વરસાદી માહોલ રહેવાની સંભાવના છે. ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જેવા દક્ષિણ ગુજરાતના વિસ્તારો ઉપરાંત મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી ઝાપટાં પડી શકે છે, જ્યારે અમદાવાદમાં પણ હળવા વરસાદની શક્યતા દર્શાવાઈ છે.હાલમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. આ દરમિયાન પવનની ઝડપ 30 થી 50 કિમી પ્રતિ કલાક રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે, તેમજ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધવાને કારણે લોકોએ ભારે ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડી શકે છે.
શનિવાર અને રવિવારે ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
શનિવારના રોજ સાબરકાંઠા અને અરવલ્લીમાં તેમજ રવિવારના રોજ બનાસકાંઠા, વાવ-થરાદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. એ સિવાય અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાના સંકેતો આપવામાં આવ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોન્સૂન ટુફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના પરિણામે વરસાદી વાતાવરણ બની રહેશે.
