આજે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે અસહ્ય ગરમી અને બફારા વચ્ચે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. શહેરના વસ્ત્રાપુર, સેટેલાઈટ, એસજી હાઈવે, ઈસ્કોન, ઘાટલોડિયા, ચાંદલોડિયા, પાલડી, આંબાવાડી વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. ગઈ કાલે થયેલા વરસાદ બાદ ભારે બફારો શરૂ થયો હતો. ત્યારે હવે આજે રાત્રે આઠ વાગ્યાની આસપાસ શહેરમાં ફરી વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. કેટલાક વિસ્તારોમાં કામ ધંધેથી ઘરે જઈ રહેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આજે 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું હતું
હવામાન વિભાગ દ્વારા આજે રાત્રે આઠ વગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ કરીને 8 જેટલા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી સાથે 'રેડ એલર્ટ' આપવામાં આવ્યું હતું, જ્યારે 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટને બાકીના 5 જિલ્લાઓમાં યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 109 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. આ વરસાદી સિસ્ટમમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે.
