ગુજરાતમાં મેઘરાજાની સક્રિયતાને પગલે આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે.રાજ્યના હવામાન વિભાગ દ્વારા બપોરે 2થી 4 વાગ્યા દરમિયાન નોંધાયેલા વરસાદના આંકડા જાહેર કરવામાં આવ્યા છે.જે મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વિશેષ જોવા મળ્યું છે.આ સમયગાળા દરમિયાન વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.

વરસાદ ખાબકતા જનજીવન પર અસર

જ્યારે ડાંગ પંથકમાં 0.94 ઇંચ અને નવસારીના જલાલપોરમાં 0.87 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન પર તેની અસર જોવા મળી છે.સુરતના અંબિકા વિસ્તારમાં 0.83 ઇંચ, મહીસાગરના ખાનપુરમાં 0.79 ઇંચ અને તાપીના ડોલવણમાં 0.71 ઇંચ વરસાદ નોંધાયો છે.આ ઉપરાંત સુરતના પલસાણા અને મહેસાણાના સતલાસણામાં સમાન રીતે 0.67 ઇંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના ગારીયાધારમાં 0.59 ઇંચ અને છોટાઉદેપુરના કવાંટમાં 0.51 ઇંચ વરસાદ નોંધાતા ખેતીના કામોને નવી ગતિ મળી છે.

વરસાદની અસર રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ જોવા મળી

આંકડાકીય માહિતી મુજબ,તાપી, મહેસાણા અને અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પણ મેઘમહેર યથાવત રહી છે.સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય કેટલાય જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સમગ્ર રાજ્યમાં વરસાદનું આ પ્રમાણ ખેડૂતો માટે રાહતરૂપ સાબિત થઈ રહ્યું છે, કારણ કે લાંબા સમયથી વાવણી માટે આતુર ખેડૂતોને આ વરસાદથી મોટી આશા બંધાઈ છે.વરસાદની આ ગતિવિધિ માત્ર દક્ષિણ ગુજરાત પૂરતી મર્યાદિત ન રહેતા રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે.


આ પણ વાંચોઃ Ram Mandir Donation Row: ચંપત રાયનું રાજીનામું મંજૂર, સાંજે 5:30 કલાકે મંદિર ટ્રસ્ટ નિવેદન આપશે