ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં ભારે વરસાદ અને આંધીનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. 15 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 મીમીથી વધુ વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત એક ડઝનથી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. રાજ્યમાં આગામી ત્રણ કલાક સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવનાઓ છે. 

આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું

ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લામાં આગામી ત્રણ કલાક માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના 15 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં રેડ એલર્ટ વાળા 15 જિલ્લામાં ભારે પવન અને આંધી અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકવાની સંભાવનાઓ છે. અમરેલી, ભરૂચ, ભાવનગર, દાદરાનગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, નવસારી, પોરબંદર, રાજકોટ, સૂરત, તાપી અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ

જ્યારે અમદાવાદ, આણંદ, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, દેવ ભૂમિ દ્વારકા, જામનગર, ખેડા, નર્મદા, પંચમહાલ અને વડોદરામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત મહિસાગર, મહેસાણા, સાબરકાંઠા, અરાવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર અને મોરબીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે ખેડૂતો અને માછીમારો માટે પણ ચેતવણી જાહેર કરી છે. ખેડૂતો અને માછીમારોને સતર્ક રહેવાની સલાહ આપી છે. ખુલ્લી જગ્યા અને વૃક્ષો સહિત ઊંચી ઈમારતોથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની અને ટ્રાફિક પ્રભાવિત થાય તેવી આશંકા સેવાઈ રહી છે. 


આ પણ વાંચોઃ Sandesh Digital Explainer : માત્ર મેરેજ સર્ટિફિકેટ હિન્દુ લગ્નને કાયદેસર બનાવતું નથી? જાણો અન્ય ધર્મોમાં લગ્નનો આધાર શું છે