હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં લો પ્રેશર સક્રિય થવાથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા છે, જેમાં ખાસ કરીને બેટ દ્વારકા અને પોરબંદર વિસ્તારમાં તેની વધુ અસર જોવા મળશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદી ઝાપટાં, મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદ રહેવાની સંભાવના છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

42 તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળી

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 109 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. માંડવીમાં સૌથી વધુ 6.97 ઇંચ, અબડાસામાં 2.13 ઇંચ અને ભુજમાં 1.26 ઇંચ વરસાદ ખાબક્યો છે, આ ઉપરાંત મુન્દ્રા અને નખત્રાણામાં પણ સારો એવો ભારે વરસાદ નોંધાયો છે. રાજ્યમાં કૂલ 84 ઈંચ વરસાદ નોંધાયો છે. તે છતાંય હજી 42 તાલુકાઓમાં વરસાદની ખેંચ જોવા મળી છે. સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં હાલની સ્થિતિએ દુષ્કાળ જેવો માહોલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તો હજુ માત્ર 10.54 ટકા જ વરસાદ થયો છે. એ સિવાય પોરબંદરમાં 24.76 ટકા અને જામનગરમાં 36.27 ટકા જ વરસાદ થયો છે.

અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમના લીધે મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહ્યો હતો. પરંતુ એમાંય મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો, જ્યારે ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં માત્ર ઝરમર વરસાદ જ વરસ્યો હતો. સામાન્ય રીતે સરેરાશ વરસાદ 80 ટકાને વટાવી જાય તો મોટાભાગે ચોમાસુ પાક માટે પૂરતો ગણવામાં આવે છે. આ વખતે અત્યાર સુધીમાં વરસાદ 84.38 ટકા થઈ ગયો છે, તેમ છતાં 42 તાલુકાઓમાં હજુ 50થી લઈને 95 ટકા સુધીની ઘટ છે.

આ પણ વાંચોઃ Ahmedabad News : શહેરમાં ચાર વર્ષમાં ખાડા પૂરવા 50 કરોડ ખર્ચાયા, એક જ મહિનામાં ફરી રસ્તા ખોદાયા