અમદાવાદ શહેરમાં કુદરતી હોનારત કે પૂરની સ્થિતિ બાદ પ્રભાવિત થયેલા સ્થાનિકો માટે એક અત્યંત રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હવે અસરગ્રસ્તોની મદદ માટે આગળ આવ્યું છે. મેયર હિતેશ બારોટે મહત્વનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે, સરકારે ગઈકાલે જાહેર કરેલી સહાય બદલ તેઓ રાજ્ય સરકારનો આભાર માને છે. સુરત શહેરની પેટર્ન મુજબ અમદાવાદમાં પણ લારી-ગલ્લા ધારકોથી લઈને તમામ નાના-મોટા વેપારીઓ અને સ્થાનિકોને સહાય આવરી લેવામાં આવી છે.
હાલ સર્વેની કામગીરી ચાલુ
અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીનો સાચો આંકડો મેળવવા માટે તંત્ર દ્વારા હાલમાં જોરશોરથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સર્વે પૂર્ણ થયા બાદ તમામ પાત્રતા ધરાવતા લોકોને સહાય ચૂકવવામાં આવશે. મહત્વની વાત એ છે કે, રાજ્ય સરકાર તરફથી મળનારી આર્થિક સહાય ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) પણ પોતાની તિજોરીમાંથી અસરગ્રસ્તોને અલગથી વધારાની સહાય ચૂકવવાની યોજના બનાવી રહ્યું છે.
