અમદાવાદના ઘુમા વિસ્તારમાં આવેલા મેયરના દાવાઓ અને પ્રશાસનની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. વિસ્તારની દર્શન સોસાયટીમાં ચોમાસાની સ્થિતિ એટલી હદે વણસી ગઈ છે કે, મેયર દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવ્યાના પૂરા 40 કલાક વીતી જવા છતાં સોસાયટીમાંથી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. તંત્રની બેદરકારીના કારણે સ્થાનિક રહેવાસીઓની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

ઘૂંટણ સમા પાણીથી જનજીવન પ્રભાવિત

સોસાયટીના અંદરના ભાગો અને રસ્તાઓ પર હજુ પણ ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાના કારણે સામાન્ય જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે. પાણી ભરાવાના કારણે લોકો પોતાના ઘરની બહાર નીકળી શકતા નથી અને રોજિંદા કામકાજ ઠપ થઈ ગયા છે. પ્રશાસન દ્વારા તાત્કાલિક ધોરણે પાણી ખાલી કરવાના દાવાઓ પોકળ સાબિત થયા છે, જેનાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

તંત્રના દાવાઓ સામે ઉઠ્યા સવાલ

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, દર વર્ષે ચોમાસાની સીઝનમાં આ જ સોસાયટીમાં કાયમી ધોરણે પાણી ભરાવવાની ગંભીર સમસ્યા સર્જાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર દ્વારા માત્ર વચન આપવામાં આવે છે પરંતુ કોઈ કાયમી નિકાલ ન આવતા લોકોને દર વર્ષે નરકાગાર જેવી જિંદગી જીવવાની ફરજ પડે છે.

આ પણ વાંચો : Monsoon News : રાજકોટમાં શાળા નજીક વૃક્ષ ધરાશાયી, જ્યોતિનગર ચોક પાસે બની ઘટના