રાજ્યમાં હાલ ચોમાસુ વિદાય લેવાના તબક્કામાં છે. ત્યારે રાજ્યમાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે. જેના કારણે સપ્ટેમ્બર મહિનામાં હજુ સુધી 6 ટકા જેટલી વરસાદી ઘટ રહી છે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોવાને કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થાનો પર સામાન્ય વરસાદની જ સંભાવના છે. બીજી બાજુ, મહત્તમ તાપમાન 35 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હોવાના કારણે તાપમાનમાં વધારો થવાથી લોકોને આગામી દિવસોમાં ગરમીનો વિશેષ અહેસાસ થશે અને મિશ્ર વાતાવરણનો સામનો કરવો પડશે.

આગામી સાત દિવસ માત્ર હળવા વરસાદની શકયતા

હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા બુલેટિન મુજબ, રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી છે. આજે રાજ્યમાં પંચમહાલ, દાહોદ, મહીસાગર તેમજ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ જેમ કે, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં વાતાવરણ સામાન્ય રીતે સૂકું રહેશે. 28 અને 29સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના મુખ્ય જિલ્લાઓ સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં ડ્રાય વેધર રહેવાની શક્યતા છે. 30 સપ્ટેમ્બરથી 03 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, વાવ-થરાદ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ તથા કચ્છ અને મોરબી, જામનગર, દ્વારકા જેવા કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.

હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી નથી કરી

હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે રાજ્યમાં ભારે વરસાદ કે વાવાઝોડા અંગેની કોઈપણ પ્રકારની ચેતવણી જારી કરી નથી. અમદાવાદ અને આસપાસના વિસ્તારમાં આકાશ સામાન્ય રીતે વાદળછાયું રહેવાની સંભાવના છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર નહિવત રહ્યું છે અને રાજ્યમાં સરેરાશ 89.16% વરસાદ નોંધાયો છે. ઝોનવાઇઝ જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 114.23% વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89.67% અને સૌરાષ્ટ્રમાં 71.29% સરેરાશ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં 71.04% અને કચ્છ ઝોનમાં સૌથી ઓછો એટલે કે 57.60% વરસાદ નોંધાયો છે.  

આ પણ વાંચોઃ Rajkot News : PGVCLમાં 4.32 લાખ ગ્રાહકો ડિફોલ્ટર, મંગળવારે ધડાધડ કપાશે વીજ કનેક્શન