ગુજરાતમાં ચોમાસાની વિદાય બાદ હાલ મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે અને ઉત્તર-પશ્ચિમી પવનો ફૂંકાવવા લાગ્યા છે.આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસા, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.જોકે શિયાળાની દસ્તક વચ્ચે હાલમાં આકરી ગરમી અનુભવાઈ રહી છે.સુરતમાં ગરમીનો પારો 39.8 ડિગ્રીએ પહોંચી ગયો છે.હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર પંથકમાંથી નૈઋત્યના ચોમાસાના વિધિવત વિદાયની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. 

રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય

સૌરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર રાજ્યમાંથી ચોમાસાની સત્તાવાર વિદાયની જાહેરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.તે સાથે ભાદરવા મહિનાના અંતિમ દિવસોમાં આકરા તાપથી લોકો અકળાયા છે આજે રાજકોટ સમગ્ર રાજ્યમાં 38.7 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમ શહેર બન્યું છે.હવે ધીમા પગલે શિયાળાનું આગમન થઈ રહ્યું છે.સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ 10 ટકા જેટલો વરસાદ પડી જતા ઉભા પાકને જીવતદાન મળ્યું છે પરંતુ ઓણસાલ અપૂરતા વરસાદના કારણે મોટાભાગના જળાશયો ખાલી છે તેના કારણે રવિ સિઝન પણ પાણીની ખેંચ વર્તાઈ તેવા અત્યારથી જ અણસાર છે. સવારે હવામાં ભેજનું પ્રમાણ 82 ટકા રહેવા પામેલ અને 8 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો હતો બપોરે પવનની ઝડપ વધી 12 કિલોમીટર સુધી પહોંચી ગઈ હતી.

કચ્છમાં ધુમ્મસ છવાતા વાતાવરણ આહ્લાદક બન્યું

સૌરાષ્ટ્ર-કચ્છમાં કંડલામાં 38.4 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 38.1, પોરબંદરમાં 37.6, અમરેલીમાં 37.3, કેશોદ-ભુજમાં 37.2, વેરાવળમાં 36.9, દીવમાં 36.2, ભાવનગરમાં 36.0, નલીયામાં 35.0, ઓખામાં32.01, દ્વારકામાં 32.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જો કે,સવારે દ્વારકા, ઓખામાં ભેજનું પ્રમાણ 92 થી95 ટકા થઈ જતા ગાઢ ધુમ્મસ છવાયું હતું તેના કારણે વાહનચાલકોને વાહન હંકારવામાં મુશ્કેલી પડી હતી.જ્યારે કચ્છના નલીયામાં પણ ધુમ્મસ છવાતા સવારનો નજારો આહલાદક બની ગયો હતો.

દક્ષિણ ગુજરાતમાં શિયાળાની અસર દેખાઈ

ચોમાસાની ઋતુની વિદાય સાથે જાહેર થયેલા સત્તાવાર આંકડા અનુસાર,દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં આ વર્ષે સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. ટકાવારીની દ્રષ્ટિએ નવસારી જિલ્લો સમગ્ર પ્રદેશમાં મોખરે રહ્યો છે,જ્યાં સામાન્ય સરેરાશ 1801 મિમી સામે 2466 મિમી વરસાદ સાથે મોસમનો કુલ 136.73% વરસાદ નોંધાયો છે.વલસાડ જિલ્લામાં પણ મેઘરાજાએ જબરદસ્ત મહેરબાની કરતાં 2381 મિમીની સરેરાશ સામે 2854 મિમી જેટલો વરસાદ વરસ્યો છે.આકાશ હવે એકદમ સ્વચ્છ બન્યું છે.ગ્રામીણ માર્ગો પર વહેલી સવારે વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પણ ધીમી ગતિએ વાહનો ચલાવી રહ્યા છે.દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ પૂર્ણ થતાં હવે ધીમે ધીમે શિયાળાનું સામ્રાજ્ય સ્થપાવા તરફ આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના આ વિસ્તારોમાં 3 બ્રિજની કામગીરી ચાલતી હોવાથી બે વર્ષ સુધી ટ્રાફિક જામ સર્જાશે