રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસું વિધિવત રીતે પહોંચી ગયું છે. હવામાન વિભાગના તાજા બુલેટિન અનુસાર, મેઘરાજાની સવારી હવે જામનગર અને દ્વારકા સુધી પણ પહોંચી ગઈ છે. હાલમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ અને અતિ ઉત્તમ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ગઈકાલે જૂનાગઢ અને આજે વલસાડ જિલ્લામાં બારે મેંઘ ખાંગા થયા છે. બીજી બાજુ હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યના 12 જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.
રાજ્યના આ વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આણંદ, દાદરા નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ, જૂનાગઢ, ખેડા, નવસારી, સૂરત, તાપી અને વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે અમદાવાદ, અમરેલી, અરાવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહેસાણા, મહીસાગર, નર્મદા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા,સુરેન્દ્રનગર અને વડોદરામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગે આગામી બેથી ત્રણ કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.
