ગુજરાતમાં ચોમાસાની સિઝન દરમિયાન હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ પ્રદેશો માટે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સુધીના વિસ્તારોમાં વરસાદી માહોલ વચ્ચે અલગ-અલગ એલર્ટ આપવામાં આવ્યા છે.ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા સરહદી વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ વિસ્તારોમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. 

પાટણ,મહેસાણા અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

ઉત્તર ગુજરાતના પાટણ અને મહેસાણા જિલ્લાઓ તેમજ મધ્ય-દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો જેવા કે ભાવનગર,ભરૂચ,સુરત,તાપી,નવસારી,વલસાડ અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ પ્રદેશોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાથી લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેતી રાખવા અપીલ કરાઈ છે.રાજ્યના મધ્ય ભાગો જેમાં અમદાવાદ,ગાંધીનગર,ખેડા,આણંદ,વડોદરા,પંચમહાલ,દાહોદ અને છોટાઉદેપુરનો સમાવેશ થાય છે ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 

કચ્છ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની સંભાવના

આ ઉપરાંત કચ્છ પ્રદેશ તેમજ સૌરાષ્ટ્રના મોરબી,સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,અમરેલી અને ગીર સોમનાથ જેવા મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ અને કેટલાક સ્થળોએ નીચાણવાળા વિસ્તારોમાં ભારે ઝાપટાં પડી શકે છે.પશ્ચિમ સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢ જિલ્લાઓને ગ્રીન ઝોન તરીકે દર્શાવવામાં આવ્યા છે.આ વિસ્તારોમાં હાલમાં હવામાન સામાન્ય અથવા હળવા ઝાપટાં પૂરતું સીમિત રહેશે અને કોઈ મોટો ખતરો કે એલર્ટ નથી.તંત્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગને એલર્ટ મોડ પર રહેવા અને પરિસ્થિતિ પર સતત નજર રાખવા આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ વાંચો 20 જુલાઈના રોજ બનનારી મહત્વની ઘટનાઓ વિશે