ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ભારે વરસાદની શક્યતા છે.જેને લઈને વિવિધ જિલ્લાઓમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના પાંચ જિલ્લામાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં પ્રતિ કલાક 15 મિલીમીટરથી વધુ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આ વિસ્તારોમાં રેડ અને યલો એલર્ટ જાહેર કરાયું

ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરાવલી એમ કુલ 5 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.આ ઉપરાંત, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગરમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ

છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 150 તાલુકાઓમાં સારો વરસાદ નોંધાયો છે, જેમાં મોરબી જિલ્લાના માળિયામાં સૌથી વધુ 5.61 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, બનાસકાંઠાના દાંતામાં 3.58 ઈંચ, પાલનપુરમાં 2.17 ઈંચ, અમીરગઢમાં 2.48 ઈંચ અને રાધનપુરમાં 2.13 ઈંચ તેમજ પાટણના શંખેશ્વરમાં 3.35 ઈંચ, દેવભૂમિ દ્વારકાના ઓખામંડળમાં 2.8 ઈંચ, મહેસાણાના બેચરાજીમાં 2.56 ઈંચ, ખેડાના મહેમદાવાદમાં 2.28 ઈંચ, ગાંધીનગરના દહેગામમાં 2.28 ઈંચ અને અરવલ્લીના મોડાસામાં 2.28 ઈંચ જેટલો ધોધમાર વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વરસાદ

અમીરગઢ પંથકમાં મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા ધોધમાર વરસાદને કારણે અમીરગઢ તેમજ ઇકબાલગઢ સહિત ડાભેલા, વિરમપુર અને ઢોલીયા વિસ્તારમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો છે. આ ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટી રાહત મળી છે અને ખાસ કરીને મગફળી તથા કપાસના પાકને ઘણો મોટો ફાયદો થશે.


આ પણ વાંચોઃ Gujarat Latest News Live: ગુજરાતમાં આજે વીજળીના કડાકા સાથે ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયુ