રાજ્યમાં મોન્સૂન ટ્રફ અને લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે ગાજવીજ અને ભારે પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે.આ સંભવિત ખરાબ હવામાનને ધ્યાનમાં રાખીને માછીમારોને આગામી સમયમાં દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે.દક્ષિણ ગુજરાતમાં 17 અને 18મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે.
ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે
હવામાન વિભાગે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની સાથે મહત્તમ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે.બુધવારે વરસાદની ગેરહાજરી વચ્ચે મહત્તમ તાપમાન 2.5 ડિગ્રી સેલ્સિયસ વધી 31.5 ડિગ્રીએ પહોંચ્યું હતું.બીજી તરફ ઉકાઈ ડેમમાં પાણીની સપાટી 333.65 ફૂટે નોંધાઈ હતી.જ્યારે બુધવારે બપોરે 12 વાગ્યા બાદ ડેમમાં પાણીની આવક બંધ થઈ ગઈ હતી.અરબ સાગરમાં સૌરાષ્ટ્ર તરફ સર્જાયેલા લો પ્રેશરની સાથે મોન્સૂન ટ્રફને કારણે આગામી બે દિવસ ફરી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી શકે છે.
