હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી ભારે વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. શહેરના પૂર્વથી લઈને પશ્ચિમના વિસ્તારો જેવા કે નરોડા, હંસપુરા, કૃષ્ણનગર, બાપુનગર, શાહીબાગ, ઉસ્માનપુરા, ઇન્કમટેક્સ, સુભાષબ્રિજ, વાડજ, આશ્રમ રોડ, હાથીજણ અને વટવામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. પવન સાથે ખાબકેલા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ શહેરીજનો માટે મુશ્કેલીઓ પણ શરૂ થઈ ગઈ છે.
અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા
ધોધમાર વરાસાદની શરૂઆત બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે. ખાસ કરીને એસ.જી. હાઈવે, તેના સર્વિસ રોડ અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. માર્ગો પર જળબંબાકાર થતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી, જેને પૂર્વવત કરવા અને વાહનવ્યવહાર સુગમ રાખવા માટે ટ્રાફિક પોલીસ વરસતા વરસાદમાં પણ રસ્તા પર ઉતરીને ટ્રાફિક નિયમન કરતી નજરે પડી હતી.
