ગુજરાતમાં ચોમાસાની સિસ્ટમ બરાબરની સક્રિય થઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD) દ્વારા રાજ્યના નાગરિકો અને વહીવટી તંત્ર માટે આગામી 7 દિવસ અત્યંત સતર્ક રહેવાની કડક સૂચના જારી કરવામાં આવી છે. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાયેલા મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે સમગ્ર ગુજરાતમાં આગામી એક અઠવાડિયા સુધી સાર્વત્રિક લો-પ્રેશર સક્રિય રહેશે, જેને પગલે ગાજવીજ અને પ્રચંડ પવન સાથે મુશળધાર વરસાદ વરસે તેવી પૂરેપૂરી સંભાવના છે.

ગુજરાત પર આકાશી આફતનું મંડરાતું સંકટ

https://twitter.com/sandeshnews/status/2073339265275330658

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થવાની શક્યતા છે. ખાસ કરીને સુરત શહેર અને માંગરોળ પંથકમાં 'અતિભારે' વરસાદનું એલર્ટ હોવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. વહીવટી તંત્ર દ્વારા એન.ડી.આર.એફ. (NDRF) ની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જેથી કોઈપણ આપત્તિને પહોંચી વળાય.

સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ધમરોળાશે

સૌરાષ્ટ્ર અને તેને અડીને આવેલા દીવ પંથકમાં પણ કુદરતનો પ્રકોપ જોવા મળી શકે છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં વાતાવરણ પલટાતા દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદ દરમિયાન ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તેજ પવન ફૂંકાશે. આ સ્થિતિને જોતા દરિયાઈ પટ્ટી પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

માછીમારો માટે કડક એડવાઇઝરી 

 દરિયામાં સર્જાયેલા ભારે ડિપ્રેશન અને તેજ પવનને કારણે માછીમારોની સુરક્ષા માટે આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. બંદરો પર ભયસૂચક સિગ્નલો લગાવી દેવામાં આવ્યા છે.બીજી તરફ, મધ્ય અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની ચેતવણી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર જેવા મહાનગરોમાં વાતાવરણ મુખ્યત્વે વાદળછાયું રહેશે અને ગાજવીજ સાથે છૂટોછવાયો કે મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે, જેનાથી ગરમીમાં આંશિક રાહત મળશે પરંતુ વાહનચાલકોને સાવચેત રહેવું પડશે.તંત્ર દ્વારા તમામ જિલ્લા કલેક્ટરો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને નદી-નાળા કે કોઝવે પર પાણી ફરી વળે તો તુરંત વાહનવ્યવહાર બંધ કરાવવા આદેશો આપી દેવામાં આવ્યા છે.

આ પણ વાંચો: Amreli: જાફરાબાદનો દરિયો ગાંડોતૂર, 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા, બંદર પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું