ગુજરાતમાં હવામાન વિભાગની આગાહીઓ અને પલટા વચ્ચે સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાંથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમરેલીના ગ્રામ્ય વિસ્તારો ખાસ કરીને ખાંભા ગીર પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વાવાઝોડા જેવી અસર જોવા મળી હતી. આ કમોસમી વરસાદના કારણે ખાંભાના હનુમાનપુર અને તાલડા ગામોમાં તેજ પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે હનુમાનપુર ગામની શેરીઓમાં વરસાદી પાણી પૂરની જેમ વહી નીકળ્યા હતા, જેનાથી સ્થાનિક લોકો અને ખેડૂતોમાં ભારે દોડધામ મચી ગઈ હતી.
મગફળી, કપાસ અને ડુંગળીના પાકને ભારે નુકસાનની ભીતિ
આ અણધાર્યા અને આકરા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા સાતમા આસમાને પહોંચી ગઈ છે. હાલમાં ખેતરોમાં ખેડૂતોનો મહત્વનો પાક તૈયાર અવસ્થામાં હતો અથવા કાપણીની તૈયારીમાં હતો. આ માવઠાના કારણે ખાસ કરીને મગફળી, કપાસ અને ડુંગળી જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થવાની પ્રબળ ભીતિ સેવાઈ રહી છે. મહેનત કરીને તૈયાર કરેલો પાક નજર સમક્ષ બગડતો જોઈને અન્નદાતા એટલે કે જગતનો તાત ભારે ચિંતા અને મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.
