ગુજરાતમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ અને સુરત સહિતના મોટા શહેરોમાં ભારે વરસાદ વરસ્યો છે. બીજી તરફ જ્યાં ઓછો વરસાદ નોંધાયો હતો તેવા ઉત્તર ગુજરાતમાં હવે મેઘરાજા અનરાધાર વરસી રહ્યાં છે. સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠ સહિત અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી જ વરસાદ શરૂ થયો છે. વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે અંબાજી પદયાત્રીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડયો છે. 

સાબર વરસાદ

અરવલ્લીમાં અંબાજી પદયાત્રીઓ વરસાદને કારણે મુશ્કેલીમાં 

અરવલ્લી જિલ્લાના શામળાજીની મેશ્વો નદીના ઉપરવાસમાં સારો વરસાદ વરસવાને કારણે નદીમાં નવા નીર આવ્યા છે. આ સિઝનમાં પ્રથમ વખત મેશ્વો નદીમાં પાણીની આવક થતાં સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશીનો માહોલ છવાઈ ગયો છે.અરવલ્લી જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદને કારણે મોડાસા-ગોધરા હાઈવે પર પાણી ભરાવાથી વાહનવ્યવહાર અને જનજીવન પ્રભાવિત થયું છે,જ્યારે બીજી બાજુ અંબાજી તરફ જઈ રહેલા માઈભક્ત પદયાત્રીઓ ધોધમાર વરસાદમાં ભીંજાઈ ગયા છે.રસ્તામાં ભારે વરસાદ પડવાથી માતાજીના રથને સુરક્ષિત રાખવા માટે પદયાત્રીઓએ તેના પર પ્લાસ્ટિક ઢાંકીને ચાલવાની ફરજ પડી છે જેના કારણે આ વરસતા વરસાદ વચ્ચે પદયાત્રીઓની સ્થિતિ મુશ્કેલીભરી બની ગઈ છે.

સાબરકાંઠા વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ સાર્વત્રિક વરસાદ

સાબરકાંઠા જિલ્લામાં મધ્યરાત્રી બાદ સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેમાં ખેડબ્રહ્મામાં બે ઇંચથી વધુ અને વિજયનગર, પોશીના, વડાલી તેમજ ઈડર સહિતના વિસ્તારોમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી મગફળી, કપાસ અને સોયાબીન જેવા પાકોને જીવનદાન મળવાની સાથે તળાવોમાં પાણીની આવક થવાની અને વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાથી લોકોને રાહત મળી છે, જોકે હજુ પણ નદી, તળાવ અને ચેકડેમોમાં પાણીની અછત હોવાથી જિલ્લામાં વધુ વરસાદની તાતી જરૂરિયાત છે. બીજી તરફ, ઈડરથી શાંતિપુરા, હસનપુરા, શેરપુર, લાલોડા અને સિવિલ હોસ્પિટલ તેમજ કોલેજ તરફનો માર્ગ પાણીમાં ગરકાવ થઈ જવાથી વાહનચાલકો, એમ્બ્યુલન્સ, વિદ્યાર્થીઓ અને રાહદારીઓને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે અને થોડા જ વરસાદમાં પાણી ભરાતા ડ્રેનેજ વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

અરવલ્લી

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની એન્ટ્રી

બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું પુનરાગમન થયું છે,જ્યાં ડીસા, ધાનેરા, દાંતીવાડા, કાંકરેજ અને ઓગડ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો છે. આ પૈકી માત્ર ડીસામાં જ સવા ઇંચ જેટલો વરસાદ ખાબકવાને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.ખાસ કરીને ડીસામાં આવેલા જલારામ મંદિર સર્કલ પાસેની કિડ્સ સ્કૂલ આગળ મોટા પ્રમાણમાં પાણી ભરાઈ જવાના કારણે નાના બાળકો અને વિદ્યાર્થીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં રાખીને સ્થાનિક લોકો અને સ્કૂલ સંચાલકો દ્વારા વહેલી સવારે ત્વરિત પાણીનો નિકાલ કરવામાં આવે તેવી જોડદાર માંગ કરવામાં આવી છે.

મેઘરજમાં ધોધમાર

પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ

પાટણ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. આ ભારે વરસાદના કારણે પાટણ શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેમાં ખાસ કરીને શહેરના સિદ્ધપુર ચાર રસ્તાથી બગવાળા તરફ જતો માર્ગ બંધ થઈ ગયો છે. તેમજ રેલવે ઘરનાળું પણ પાણીમાં ડૂબી જવાને કારણે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે, જ્યાં ધીમીધારે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. જોકે, આ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ યથાવત રહી છે.

આ પણ વાંચોઃ Ahmedabad News: ગાંધીગ્રામનું ટર્મિનલ બદલાયું હવે સાબરમતીથી પ્રયાગરાજ ટ્રેન દોડશે