ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ટાઉન વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યા બાદ મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી છે. કાળાડિબાંગ વાદળોના ઘેરાવ અને ભારે ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદના રાઉન્ડે સમગ્ર મહુવા શહેરને ઘમરોળ્યું છે. આકાશી વીજળીના કડાકા-ભડાકા અને અંધારપટ વાતાવરણ વચ્ચે પડેલા અનરાધાર વરસાદથી સમગ્ર ટાઉન વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.
1 કલાકમાં 2 ઈંચ વરસાદથી માર્ગો પર વહ્યા પાણી
મહુવા સિટી વિસ્તારમાં માત્ર એક જ કલાકના ટૂંકા ગાળામાં 2 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદ વરસી પડતાં જ શહેરના મુખ્ય માર્ગો પર નદીઓની જેમ પાણી વહેતા થયા હતા. ટાઉન વિસ્તારના ગાર્ડન રોડ, મુખ્ય બજાર, શાકમાર્કેટ, જનતા પ્લોટ, ખારઝાંપા તેમજ કુંભારવાડા જેવા તમામ પ્રમુખ રસ્તાઓ પર ગોઠણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને સ્થાનિક વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા.
