હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યના દક્ષિણ ભાગના વિસ્તારો અને અન્ય ભાગોમાં હળવો અને મધ્યમ વરસાદ વરસી શકે છે. ગઈકાલ સુધી એટલે કે ચાર ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં કૂલ 69 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 96 ટકા વરસાદ નોંધાયો છે. સારા વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. નર્મદા ડેમ પણ 78 ટકા જેટલો ભરાયો છે. જ્યારે અન્ય 206 જળાશયોમાં 62 ટકાથી વધુ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ફરીવાર વરસાદની આગાહી કરી છે. 

ભારે પવન ફૂંકાવાની શક્યતા

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સાર્વત્રિક હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.આ સિસ્ટમની અસર હેઠળ સમગ્ર રાજ્યમાં 40થી 50 કિમી પ્રતિકલાકની ઝડપે ભારે પવન ફૂંકાવાની શક્યતા છે.ઉત્તર ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.જ્યારે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે.

પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી

હવામાન વિભાગે કરેલી જિલ્લાવાર આગાહી મુજબ, કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને દ્વારકામાં સામાન્ય વરસાદ પડી શકે છે.જ્યારે જામનગર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને બોટાદ જિલ્લાઓમાં પણ મેઘમહેર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ શહેરમાં પણ દિવસ દરમિયાન પવન સાથે વરસાદી ઝાપટાં પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Latest News Live: રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે સાર્વત્રિક વરસાદની આગાહી