ચોમાસા દરમિયાન રાજ્યના મહાનગરો અને નગરપાલિકા વિસ્તારોમાં બિસ્માર રસ્તાઓ અને ભુવા પડવાની વધી રહેલી સમસ્યાઓ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક વલણ અપનાવ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી સ્પષ્ટ શબ્દોમાં ટકોર કરતા જણાવ્યું હતું કે, હવેથી શહેરોમાં બનનારા તમામ નવા રસ્તાઓ ફરજિયાતપણે RCC એટલે કે રિઇનફોર્સ્ડ સિમેન્ટ કોંક્રીટના જ બનાવવા જોઈએ.
ડામર રોડ ચોમાસામાં તૂટી જાય છે, ચોકસાઈપૂર્વક RCC કામ કરો
મુખ્યમંત્રીએ ડામરના રસ્તાઓની ગુણવત્તા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ડામરનો રોડ 3 થી 4 વર્ષમાં જ ચોમાસા દરમિયાન તૂટી જાય છે. જેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડે છે અને તંત્રની છબી પણ ખરડાય છે. તેમણે મનપા અને નગરપાલિકાના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી કે, મહાનગરપાલિકા અને નગરપાલિકાની લોકોમાં ઉપસેલી નકારાત્મક ઇમેજ સુધારો અને ખૂબ જ ચોકસાઈપૂર્વક તમામ આરસીસી રોડના કામ પૂર્ણ કરો.
ભુવા પડવાના કારણો શોધી આજથી જ નિરાકરણનું આયોજન કરો
શહેરોમાં અવારનવાર પડતા ભુવા અંગે ચિંતા વ્યક્ત કરતા CM ભૂપેન્દ્ર પટેલે તંત્રને આજે જ યોજના ઘડી કાઢવા આદેશ આપ્યો છે. તેમણે ઉમેર્યું કે, શહેરોમાં ભુવા શા માટે પડે છે, તેના મૂળ કારણો શોધી કાઢો અને તેનું કાયમી તથા ઝડપી નિરાકરણ લાવો. આ સમસ્યાઓ પર તાત્કાલિક ધ્યાન આપીને કામગીરી સુધારવી અત્યંત જરૂરી છે.
મનપા અને નગરપાલિકાઓ માટે રૂ. 3,850 કરોડના ભંડોળની જાહેરાત
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના વિકાસ કાર્યો અને માળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે મુખ્યમંત્રીએ મહત્ત્વની જાહેરાત પણ કરી હતી. તેમણે રાજ્યની મનપાઓ અને નગરપાલિકાઓ માટે રૂ. 3,850 કરોડના ભંડોળની જાહેરાત કરી છે. આ જાહેરાત બાદ ધારાસભ્યો અને કોર્પોરેટરોમાં ખુશી છવાઈ હતી. આ સાથે જનતાને સારા રોડ મળવાની નવી આશા જાગી છે.
અમદાવાદની સ્થિતિ વિશે પણ વાત કરી
આ ઉપરાંત, અમદાવાદમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, અમદાવાદમાં એક સાથે 21 ઈંચ જેટલો ભારે વરસાદ ખાબકવાને કારણે પરિસ્થિતિ વણસી હતી, પરંતુ તંત્ર દ્વારા પરિસ્થિતિ થાળે પાડવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો - Ahmedabad News: નિકોલ ગુરુકુળ સર્કલ અને રિંગ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા, દોઢ કિમી લાંબો ટ્રાફિક જામ









