સૌરાષ્ટ્ર પંથકમાં વરસેલા અનરાધાર વરસાદ અને પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજ્ય સરકાર એલર્ટ મોડ પર છે.અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ આજે સવારે ગાંધીનગર ખાતેથી અમરેલી,રાજકોટ અને ભાવનગર જિલ્લાના વહીવટી તંત્ર સાથે વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રી તેમણે ત્રણેય જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે ત્રણેય જિલ્લાના કલેક્ટરો પાસેથી નીચાણવાળા વિસ્તારો, નદી-નાળાની પ્રવર્તમાન સ્થિતિ અને જળાશયોમાં પાણીની આવક અંગેનો લાઈવ રિપોર્ટ મેળવ્યો હતો.
મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓને સૂચનાઓ આપી
મંત્રી જીતુ વાઘાણીએ ભારે વરસાદને કારણે વીજ પુરવઠો કે પાણી પુરવઠો ખોરવાવો કે રસ્તાઓ બ્લોક થવા જેવી તાત્કાલિક સમસ્યાઓના ત્વરિત નિકાલ માટે PGVCL,પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ તથા માર્ગ મકાન વિભાગને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપ્યા છે.આ ઉપરાંત મંત્રીશ્રીએ તાકીદ કરી હતી કે,ફરી એકવાર ભયજનક મકાનો અને હોર્ડિંગ્સની ચકાસણી કરીને હજુ પણ ક્યાંય આવા જોખમી એકમો રહી ગયા હોય તો તેને તાત્કાલિક ધોરણે દૂર કરવા પણ સૂચના અપાઈ હતી. સંભવિત રોગચાળો અટકાવવા માટે ક્લોરિન ટેબ્લેટ્સ અને ORSનો પૂરતો જથ્થો રાખવા તેમજ તાલુકા કક્ષાએ રેપિડ રિસ્પોન્સ ટીમ કાર્યરત કરવા આરોગ્ય વિભાગને તાકીદ કરાઈ છે.
અમરેલી જિલ્લામાં 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
અમરેલી જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 12 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જે કુલ સરેરાશ વરસાદના 42 ટકાથી પણ વધુ છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન જ જિલ્લામાં 2 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે અમરેલીમાં હાલમાં 2 NDRFની ટીમો તૈનાત છે.જિલ્લામાં ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 76 નાગરિકને રેસ્ક્યુ અને 641 નાગરિકોનું સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે.રાજ્ય હસ્તકના કુલ 25 જેટલા રસ્તાઓ બંધ થયા હતા જેમાંથી 19 રસ્તાઓને હાલ પૂર્વવત કરવામાં આવ્યા છે.
ભાવનગર જિલ્લામાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો
ભાવનગર જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન જ જિલ્લામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાહત-બચાવની કામગીરી માટે ભાવનગરમાં હાલમાં 1 NDRFની ટીમ તૈનાત છે.રેસ્ક્યુ અથવા સ્થળાંતર કરાયેલા નાગરિકોને રહેવા માટે જિલ્લામાં કુલ 982આશ્રય સ્થળો નિયત કરવામાં આવ્યા છે.જિલ્લામાં પંચાયત હસ્તકના 918 રસ્તાઓ પૈકી 7 રસ્તાઓ બંધ છે. જેમાંથી 6 રસ્તાઓને ડાયવર્ઝન અને એક રસ્તાને વૈકલ્પિક રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે.
રાજકોટ જિલ્લામાં 5 ઈંચથી વધુ વરસાદ
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે સરેરાશ 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.જે કુલ સરેરાશ વરસાદના 18 ટકાથી વધુ છે.જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે.આકસ્મિક પરિસ્થિતિમાં રાહત-બચાવની કામગીરી માટે રાજકોટમાં હાલમાં 1 NDRF અને 1 SDRFની ટીમ તૈનાત છે.આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લાના દરેક તાલુકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Bhavnagar News: જેસરના તાતણીયા અને બીલા ગામમાં 3 મકાનોની દિવાલ ધરાશાયી, ઘરવખરીને ભારે નુકસાન