ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ (Western Disturbance) સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં આગામી બે દિવસ સુધી સાર્વત્રિક વરસાદ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

રાજ્યમાં ચોમાસાની વિદાયની શરૂઆત
એક તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે, તો બીજી તરફ રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લેવાની સત્તાવાર શરૂઆત પણ કરી દીધી છે. કચ્છી પંથકના કેટલાક વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના ભાગોમાંથી ચોમાસુ પૂર્ણપણે વિદાય લઈ ચૂક્યું છે. ચાલુ સિઝનના વરસાદી આંકડા પર નજર કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં સરેરાશ 411 મીમી વરસાદ નોંધાયો છે. જોકે, તેમ છતાં સમગ્ર રાજ્યમાં મોસમનો કુલ સરરેાશ વરસાદ સરખાવતાં હજુ પણ 8 ટકા જેટલી વરસાદની તંગી કે ઘટ જોવા મળી રહી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વાતાવરણમાં પલટો
હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ ભારતમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં આ ભેજ અને પલટો જોવા મળી રહ્યો છે. ચોમાસાની વિદાયના તબક્કામાં પડી રહેલો આ હળવો-મધ્યમ વરસાદ ખાસ કરીને ખેતીના પાકો માટે મહત્ત્વનો સાબિત થશે. આગામી સપ્તાહ દરમિયાન વાદળછાયા વાતાવરણ અને ગાજવીજ સાથેના ઝાપટાંને કારણે તાપમાનમાં પણ આંશિક ઘટાડો નોંધાશે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો