ગુજરાતમાં ચોમાસાની ઋતુ વચ્ચે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ માટે વરસાદ અંગેની મહત્વની આંકડાકીય અને વાતાવરણીય આગાહી જાહેર કરવામાં આવી છે. રાજ્યમાં હાલ સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમ અને મોન્સુન ટ્રફની સીધી અસર જોવા મળી રહી છે, જેના પરિણામે વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. હાલ દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફના ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી વાતાવરણમાં સાર્વત્રિક ભેજનું પ્રમાણ વધ્યું છે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાની શક્યતા 

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડે તેવી પૂરેપૂરી સંભાવના છે. પવનની બદલાયેલી દિશા અને વાદળછાયા વાતાવરણ વચ્ચે અમદાવાદવાસીઓને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળવાની સાથે સમયાંતરે વરસાદી માહોલ જોવા મળશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં હજુ પણ વરસાદની 28%ની ઘટ 

ચોમાસાની વર્તમાન સીઝનના આંકડાકીય વિશ્લેષણ પર નજર કરીએ તો સમગ્ર રાજ્યમાં સરેરાશ સરખામણીએ હાલ 4% વરસાદની ઘટ નોંધાઈ છે. જોકે, પ્રદેશવાર પરિસ્થિતિમાં મોટો તફાવત જોવા મળ્યો છે; જેમાં 'ગુજરાત રિજયન' (ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત) માં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં હજુ પણ 28% વરસાદની ઘટ જોવા મળી રહી છે. આગામી સપ્તાહમાં પડનારો વરસાદ આ ઘટ પૂરી કરવામાં મદદરૂપ બનશે તેવી આશા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો