સૌરાષ્ટ્રના જસદણ પંથકમાં આજે વહેલી સવારથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. જસદણ શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારો જેવા કે આટકોટ, જંગવડ, પાંચવડા, જીવાપર, સાણથલી અને બળધોઈ સહિતના વિસ્તારોમાં હળવા થી ભારે વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. વહેલી સવારે પડેલા આ વરસાદને કારણે ગ્રામ્ય માર્ગો અને રોડ-રસ્તા પર પાણી વહી નીકળ્યા હતા, જેનાથી સમગ્ર વિસ્તારના વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.

કપાસ અને મગફળીના મુરઝાતા પાકને મળ્યું નવજીવન

છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાવાને કારણે ખેતરોમાં ઉભેલી મોલાત સુકાઈ રહી હતી અને ખેડૂતો ચિંતાતુર બન્યા હતા. પરંતુ વહેલી સવારે પડેલા આ વરસાદી ઝાપટાં ખેડૂતો માટે સંજીવની સમાન સાબિત થયા છે. વિશેષ કરીને જસદણ પંથકમાં મોટા પાયે વાવેતર કરાયેલા કપાસ અને મગફળીના પાકને આ વરસાદથી મોટું જીવનદાન મળ્યું છે. સુકાતી મોલાતને પાણી મળી રહેતાં પાક બચી ગયો છે, જેનાથી જગતના તાતમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.

ખેડૂતોમાં હાસકારો પરંતુ ધોધમાર વરસાદની હજુ પણ આશા

વહેલી સવારથી શરૂ થયેલા વરસાદી ઝાપટાંના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે અને તેમણે મોટી રાહત અનુભવી છે. જોકે, હાલ જે વરસાદ વરસ્યો છે તે પાકને તાત્કાલિક હોનારતમાંથી ઉગારવા પૂરતો છે, પરંતુ જમીનમાં ઊંડે સુધી ભેજ ઉતરે અને નદી-નાળા છલકાય તે માટે ખેડૂતો હજુ પણ એક સાર્વત્રિક અને ધોધમાર વરસાદની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આગામી સમયમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Suratમાં મેઘરાજાની ધમાકેદાર વાપસી, ધોધમાર વરસાદથી બફાતમાંથી મુક્તિ, હવામાન વિભાગે આપ્યું ઓરેન્જ એલર્ટ