હવામાન વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. ચોમાસુ સિસ્ટમ સક્રિય હોવાના કારણે રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે. મેઘરાજાની આ નવી ઈનિંગના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવાની સાથે ચોમાસુ પાકને પણ મોટો ફાયદો થવાની આશા સેવાઈ રહી છે. હવામાન વિભાગે નાગરિકો અને ખેડૂતોને હવામાન સંબંધિત અપડેટ્સ ધ્યાને રાખીને જરૂરી સાવચેતી રાખવા માટે સૂચના આપી છે.
આજે ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠા ઉપરાંત પૂર્વ તથા દક્ષિણ ગુજરાતના દાહોદ, નવસારી, તાપી, ડાંગ, વલસાડ અને દમણ જેવા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ અને પવન સાથે મૂસળધાર વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ ભીતિ રહેલી છે.
