ગુજરાતમાં મેઘરાજાનો ફરી એકવાર બીજો રાઉન્ડ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં હળવાથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સત્તાવાર આગાહી કરવામાં આવી છે. આજરોજ ખાસ કરીને મહીસાગર, ડાંગ, તાપી, નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલી માટે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા

દક્ષિણ ગુજરાત ઉપરાંત આજે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ જળવાઈ રહેશે. આ ઉપરાંત ઉત્તર અને મધ્ય ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને નર્મદા સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને પવનના તેજ ફુંકાવા સાથે હળવાથી મધ્યમ વરસાદની પૂરેપૂરી સંભાવના છે.

યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, હાલમાં રાજ્ય પર એકસાથે ૫ જેટલી અલગ-અલગ વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે. આ સાયક્લોનિક સરક્યુલેશન અને મોન્સૂન ટ્રફના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને સમગ્ર રાજ્યમાં મેઘ મહેર જોવા મળી રહી છે. વરસાદી માહોલને પગલે નીચાણવાળા વિસ્તારો અને નદી-નાળાઓ પર તંત્રને સતર્ક રહેવાની સૂચના આપવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો