ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગાજવીજ અને પવનના ઝાપટાં સાથે સાર્વત્રિક વરસાદની મહત્વની આગાહી કરવામાં આવી છે. હાલમાં સક્રિય થયેલા મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં તેજ પવન અને કરંટ રહેવાની શક્યતાને પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. આગામી 8 ઓગસ્ટે સમગ્ર રાજ્યમાં વરસાદને લઈને વહીવટી તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.

6થી 9 ઓગસ્ટ દરમિયાન જિલ્લાવાર વરસાદી ચિત્ર

હવામાન ખાતાના જણાવ્યા મુજબ 6 અને 7 ઓગસ્ટના રોજ દક્ષિણ અને મધ્ય ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ તેમજ દાહોદ, મહિસાગર અને અરવલ્લીમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડશે. ત્યારબાદ વરસાદનું જોર વધતાં 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લીમાં મૌસમનો ભારે વરસાદ પડી શકે છે. તેમજ 9 ઓગસ્ટે ઉત્તર ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં મુશળધાર વરસાદની શક્યતાને જોતાં આ તમામ વિસ્તારો માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.


Gujarat: Rain forecast across the state


તંત્ર એલર્ટ મોડ પર અને સાવચેતીના પગલાં

રાજ્યમાં સાર્વત્રિક વરસાદની ક્ષમતાને ધ્યાનમાં રાખીને નીચાણવાળા વિસ્તારો અને નદીકંઠાના ગામોને સાવધ કરવામાં આવ્યા છે. હવામાન વિભાગની આ ચેતવણી બાદ સંબંધિત જિલ્લા તંત્રને સ્ટેન્ડબાય મોડ પર રાખવામાં આવ્યું છે. ચોમાસાની આ નવી સિસ્ટમ ખેડૂતોના પાક માટે ફાયદાકારક સાબિત થશે, પરંતુ ભારે વરસાદથી પૂર કે પાણી ભરાવાની સ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા આપત્તિ વ્યવસ્થાપન ટીમોને પણ સજ્જ કરી દેવામાં આવી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો