ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યભરમાં વરસાદી ઝાપટાંની સ્થિતિ જળવાઈ રહેશે. અરબી સમુદ્ર પરથી આવતા પશ્ચિમી પવનોમાં પુષ્કળ ભેજ હોવા સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ બનેલું છે. જોકે, હાલની સ્થિતિએ મુસળધાર કે અતિભારે વરસાદની શક્યતાઓ નહિવત છે. દરીયાઈ પટ્ટા પર પવનની ઝડપ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે.
ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં આગાહી
રાજ્યના વિવિધ પ્રદેશોમાં વરસાદનું પ્રમાણ હળવાથી મધ્યમ રહેવાનો અંદાજ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાંથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સામાન્ય વરસાદી માહોલ જળવાઈ રહેશે. અમદાવાદ શહેરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે દિવસ દરમિયાન હળવા વરસાદી ઝાપટાં પડવાની પૂરતી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ ઝાપટાંના કારણે લોકોને બફારા અને ગરમીમાંથી આંશિક રાહત અનુભવાશે.
