રાજકોટ શહેરમાં ગઈકાલ રાતથી સતત ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 4.5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જોકે, આ સામાન્ય અને ધીમી ધારે પડેલા વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકા (RMC)ની કામગીરીની પોલ ખોલી નાખી છે. પ્રી-મોન્સૂન કામગીરી અને પાણીના નિકાલ અંગે મનપા દ્વારા કરવામાં આવેલા તમામ દાવાઓ પહેલા જ વરસાદી રાઉન્ડમાં પોકળ સાબિત થયા છે.

યાજ્ઞિક રોડ અને 150 ફૂટ રિંગ રોડ પર ભરાયા પાણી

શહેરના મુખ્ય અને ધમધમતા એવા યાજ્ઞિક રોડ તેમજ 150 ફૂટ રિંગ રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે કલાકો સુધી વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

https://twitter.com/sandeshnews/status/2083533256985879002

દુકાનોમાં પાણી ઘૂસતાં વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન

રસ્તાઓ પર ભરાયેલા પાણી હવે વેપારીઓ માટે આફત બન્યા છે. માર્ગો પરથી પાણીનો નિકાલ ન થતાં વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી ગયા હતા, જેના કારણે સામાન પલળી જતાં વેપારીઓને લાખો રૂપિયાનું ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. મનપાની ઘોર બેદરકારી સામે રોષ ઠાલવતાં વેપારીઓએ વહેલી તકે ઉકેલ લાવવાની માગ કરી છે.

આ પણ વાંચો : Explainer : 2021, 2022 હોય કે 2026..., રાજ્યમાં ચોમાસું સામાન્ય, પણ સુરતમાં મેઘરાજાની 'તોફાની બેટિંગ'!