રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની ઋતુ તેના અંત તરફ જઈ રહી છે ત્યારે મેઘરાજાની ભારે ખેંચ જોવા મળી રહી છે. છેલ્લા એક મહિનાથી સતત વરસાદ ગાયબ રહેતાં આ વર્ષે સૌરાષ્ટ્રમાં 39% વરસાદની મોટી ઘટ નોંધાઈ છે, જે છેલ્લા દસ વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે. વરસાદના આ ભારે અભાવને કારણે રાજકોટ શહેર અને જિલ્લાની જીવાદોરી સમાન આજી, ન્યારી અને ભાદર સહિતના મોટાભાગના મુખ્ય ડેમો હજુ પણ ખાલીખમ પડ્યા છે. ચોમાસુ પૂરું થવા આવ્યું હોવા છતાં જળાશયો ન ભરાતાં માત્ર ગ્રામ્ય વિસ્તારો જ નહીં પરંતુ રાજકોટ જેવા શહેરી વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં પીવાના પાણીનું ગંભીર સંકટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.

24 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ ગંભીર અને ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે હવામાન વિભાગ તરફથી એક આશાસ્પદ સમાચાર સામે આવ્યા છે. બંગાળની ખાડીમાં એક મજબૂત લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વાતાવરણમાં વહેલી સવારથી જ મોટો પલટો આવ્યો છે અને સમગ્ર વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ છવાઈ ગયું છે. શહેરના અમુક વિસ્તારોમાં વહેલી સવારે છૂટોછવાયો વરસાદ પણ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાક દરમિયાન રાજકોટ અને આસપાસના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે, જેનાથી લોકો અને સ્થાનિક તંત્રમાં રાહતની આશા જાગી છે.

સુકાતી મોલાત અને ઘાસચારાની અછત વચ્ચે મેઘમહેર અત્યંત જરૂરી

છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાવાને કારણે સૌરાષ્ટ્રનો ખેડૂત અને માલધારી વર્ગ ભારે મુશ્કેલીમાં મુકાયો છે. ખેતરોમાં વાવેતર કરેલા કપાસ, મગફળી અને સોયાબીન જેવા ખરીફ પાકો વરસાદ વિના સુકાઈ રહ્યા છે, જ્યારે પશુઓ માટે ઘાસચારાની પણ ભારે અછત સર્જાઈ છે. જો આગામી 24 થી 48 કલાકમાં સાર્વત્રિક અને સારો વરસાદ પડે તો જ ખેતરોમાં મુરઝાતી મોલાતને સંજીવની સમાન નવજીવન મળશે અને પશુઓ માટે ઘાસચારાની સમસ્યા હળવી થશે. હાલ સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને નાગરિકો એકમાત્ર મેઘરાજાની કૃપાદ્રષ્ટિ થાય તેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : Ahmedabad News : ઈસ્કોન ક્રોસ રોડ પર AMTS ડ્રાઈવરની દાદાગીરી: BRTS કોરિડોરમાં બસ મૂકી ભાગી જતાં વાહનવ્યવહાર ઠપ્પ!