હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ અને તીવ્ર પવન ફૂંકાવાની ચેતવણી જારી કરવામાં આવી છે.આવતીકાલે 31 જુલાઈએ અતિભારે વરસાદ પડવાની સંભાવનાને પગલે સુરત મહાનગરપાલિકા, જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે એલર્ટ મોડમાં આવી ગયું છે.આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કંટ્રોલ સેન્ટર બિલ્ડીંગ ખાતે એક હાઇલેવલ બેઠક યોજવામાં આવી હતી.જેમાં તમામ સંબંધિત વિભાગના અધિકારીઓને આગામી સમયમાં 24 કલાક સતર્ક રહેવા અનેસ્થિતિ સામે સજ્જ રહેવા કડક સૂચના આપવામાં આવી છે.

ગેરકાયદે હોર્ડિંગ્સ અને શેડ ઉતારી લેવાયા

સુરક્ષા અને જાનમાલના રક્ષણ માટે વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.મહાનગરપાલિકા કમિશનર એમ.નાગરાજન અને કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે,વાવાઝોડા અને તીવ્ર પવનના કારણે કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે BRTSના જોખમી સાઈનબોર્ડ,ગેરકાયદે હોર્ડિંગ્સ અને શેડ ઉતારી લેવાના આદેશ આપી દેવાયા છે.આ ઉપરાંત જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવાના ભાગરૂપે તમામ ઓપન ગેમ ઝોન અને પાર્ટી પ્લોટ બંધ રાખવા માટે પણ કડક સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે.

નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર 

શહેરમાં પૂર અને વરસાદી પાણીના જોખમથી લોકોને બચાવવા માટે નીચાણવાળા વિસ્તારોમાંથી નાગરિકોનું સુરક્ષિત આશ્રયસ્થાનોમાં સ્થળાંતર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.તંત્ર દ્વારા આશ્રયસ્થાનો પર ભોજન, પીવાનું પાણી અને તબીબી સારવાર જેવી તમામ પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ ઉપરાંત કોઈપણ બચાવ કામગીરી માટે NDRF અને SDRFની ટીમોને ડિપ્લોયમેન્ટ પોઝિશન પર તૈનાત કરી દેવાઈ છે.તંત્ર દ્વારા તમામ નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Monsoon 2026 : આજે સાંજથી અમદાવાદમાં પડી શકે ભારે વરસાદ, 31 જુલાઇએ અતિ ભારે વરસાદની આગાહી