સુરત જિલ્લામાં ભારે વરસાદના પગલે નદી-નાળાં અને પૂરના પાણી ગામડાઓમાં ફરી વળ્યા છે. ખાસ કરીને માંગરોળ તાલુકામાં પૂરની સ્થિતિએ ભયાનક રૂપ ધારણ કર્યું છે, જેમાં કુંવરદા ગામ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈને બેટમાં ફેરવાઈ ગયું છે.
પૂરના પાણી ગામડાઓમાં ફરી વળ્યા
પૂરના ધસમસતા પ્રવાહના પાણી કુંવરદા ગામમાં ઘૂસી જતાં હાહાકાર મચી ગયો છે. ગામના 200થી વધુ ઘરોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. પાણીનું સ્તર એટલી ઝડપથી વધ્યું હતું કે મકાનોનો આખો એક માળ (1 માળ) પાણીમાં ડૂબી ગયો હતો. અચાનક આવી પડેલી આ આફતના કારણે પરિવારો પોતાની ઘરવખરી પણ બચાવી શક્યા નથી અને જીવ બચાવવા ઘરના ધાબા કે છત પર આશરો લેવા મજબૂર બન્યા હતા.
2 બોટ મારફતે ફાયર બ્રિગેડનું મેગા રેસ્ક્યૂ
કુંવરદા ગામમાં સ્થિતિ અત્યંત કફોડી બની હોવાની માહિતી મળતાં જ જિલ્લા વહીવટી તંત્ર, સુરત પોલીસ અને જિલ્લા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ૨ વિશેષ બોટની મદદથી પૂરના ધસમસતા પાણી વચ્ચે કુંવરદા ગામમાં પ્રવેશીને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.જવાનોએ પાણીમાં ફસાયેલા નાના બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને એક પછી એક બોટમાં બેસાડીને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળો પર પહોંચાડ્યા હતા. તંત્ર દ્વારા હાલમાં પૂરપીડિતો માટે અસ્થાયી આશ્રયસ્થાન અને ભોજન-પીવાના પાણીની વ્યવસ્થા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: Patan: શહેરમાં માત્ર 2 ઇંચ વરસાદમાં જળબંબાકાર, મોટિસરા અને પીપળા ગેટ પોલીસ ચોકી વિસ્તારમાં ભરાયા ઘૂંટણસમા પાણી