દક્ષિણ ગુજરાતમાં બારેમેઘ ખાંગા થતાં સ્થિતિ ગંભીર બની છે જેના પગલે રાહત અને બચાવ કામગીરી માટે આર્મીને બોલાવવામાં આવી છે. આર્મીના 70 જવાનો અને 5 બોટ સહિત NDRFની 3 ટીમો અને SDRFની 5 ટીમોને તાત્કાલિક વલસાડ ખાતે રેસ્ક્યુ કામગીરી માટે રવાના કરવામાં આવી છે.આ ઉપરાંત,પરિસ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હીથી NDRFની વધુ 2 ટીમો પણ ગુજરાત આવી રહી છે જેથી નીચાણવાળા અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય.બીજી બાજુ સુરતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

સુરતમાં આગામી 24 કલાક ભારે 

સુરત જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે આગામી 24 કલાક માટે રેડ એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.આ પરિસ્થિતિ અંગે સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા મનપા કમિશનર એમ.નાગરાજને લોકોને અપીલ કરી હતી કે આગામી 24 કલાક સૌએ ભારે સંયમ અને સાવચેતી રાખવી પડશે.વરસાદની શક્યતાને જોતાં નાગરિકોને વિના કારણે ઘરની બહાર ન નીકળવા અને પૂરેપૂરી તકેદારી રાખવા જણાવાયું છે.

ખાડી વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની મોટી શક્યતાઓ

વરસાદી પ્રવાહને કારણે સુરતના ખાડી વિસ્તારોમાં ફરી પાણી ભરાવાની મોટી શક્યતાઓ સેવાઈ રહી છે. આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થિતિની સમીક્ષા માટે પ્રભારી અધિકારી શાલિની અગ્રવાલની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં નીચાણવાળા અને ખાડી કાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોની સુરક્ષા અને રાહત કામગીરી અંગેનું આયોજન કરવામાં આવ્યું હતું.

સુરતમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી

પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે સુરતમાં NDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. જોકે, પાડોશી જિલ્લાઓમાં સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાને રાખીને સુરતથી NDRFની ૩ ટીમોને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી માટે નવસારી અને વલસાડ ખાતે મોકલવામાં આવી છે. બાકીની ટીમો સુરતમાં સતર્ક રહીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

આ પણ વાંચોઃ Gujarat Rain News: છેલ્લા 70 વર્ષમાં ચેરાપૂંજી બાદ ઉમરગામમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો, 24 કલાકમાં 41 ઈંચ