વડોદરા જિલ્લામાં વરસી રહેલા અવિરત વરસાદ અને ઢાઢર નદીના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદના કારણે નદીમાં પાણીની સપાટીમાં ભયજનક વધારો થયો છે. ચાલુ ચોમાસાની સિઝનમાં પહેલીવાર ઢાઢર નદી બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે કરજણ અને આસપાસના તાલુકાઓમાં પૂરની સ્થિતિ નિર્માણ પામી છે.

ઢાઢર નદીમાં પાણીની સપાટીમાં ભયજનક

ઢાઢર નદીમાં ઘોડાપૂર આવતાં જ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. ઢાઢર નદી કિનારે આવેલા કરજણ તાલુકાના વિરાજઈ, પિંગળવાળા, હરસુંડા, ખેરડા, માનપુર, અભરા, સંભોઈ, સુરવાળા અને ઉમજ સહિતના કુલ 10 ગામોને તકેદારીના ભાગરૂપે હાઇ એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. નદીના પટમાં કોઈ પણ વ્યક્તિને ન જવા અને માલઢોરને પણ દૂર રાખવા તંત્ર દ્વારા સાબદા કરાયા છે.

કરજણ-પાદરા તાલુકાનો સંપર્ક કપાયો

નદીમાં પાણીનું સ્તર એટલું વધી ગયું છે કે કરજણ તાલુકાના સંભોઈ ગામે આવેલો મુખ્ય બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. સંભોઈ બ્રિજ ઉપરથી ઢાઢર નદીનો તીવ્ર પ્રવાહ વહેવાનું શરૂ થતાં જ તંત્ર દ્વારા બ્રિજ પરનો તમામ વાહનવ્યવહાર બંધ કરી દેવાયો છે.

સંભોઈ ગામે પૂરની સ્થિતિ નિર્માણ

આ બ્રિજ બંધ થવાથી સંભોઈ ગામને પાદરા તાલુકાના થીકરિયા ગામ અને થીકરિયા મઠ સાથે જોડતો મુખ્ય સંપર્ક માર્ગ સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. બ્રિજના બંને છેડે પોલીસ અને સ્થાનિક તંત્ર દ્વારા બેરિકેડિંગ કરીને લોકોને સુરક્ષિત અંતરે રોકી રાખવામાં આવ્યા છે. મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ની ટીમો સતત ઢાઢર નદીની સપાટી પર નજર રાખી રહી છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને જરૂર પડે સ્થળાંતર કરવા તૈયાર રહેવા જણાવાયું છે.

આ પણ વાંચો: Surat: કીમ નદીના પૂરમાં પાલોદ ગામ ગરકાવ, શ્રમજીવીઓની ઘરવખરી બરબાદ, મદદ ન મળતા જનઆક્રોશ