વડોદરા જિલ્લાના શિનોર પંથકમાં માત્ર એક દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેરબાની કરી છે. સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોર બાદ અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. શિનોર તાલુકાના અવાખલ, સાધલી, સેગવા સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે અને જોરદાર ઝાપટાં સાથે વરસાદની એન્ટ્રી થતાં સમગ્ર પંથકમાં વાતાવરણ આહલાદક અને ઠંડકભર્યું બની ગયું હતું.
ધરતીપુત્રોમાં ખુશીની લહેર, પાકને મળ્યું નવજીવન
શિનોર પંથકમાં પડેલા આ વરસાદથી સૌથી વધુ ખુશી ખેડૂત આલમમાં જોવા મળી રહી છે. વિરામ બાદ ખેતીલાયક વરસાદ વરસતાં મોલ-પાકને મોટું નવજીવન મળ્યું છે. લાંબા અંતરાલ અને બફારા વચ્ચે પડેલા આ વરસાદથી ખેતીમાં મોટી રાહત મળવાની આશા જાગી છે. ખેડૂતોના મતે આ સમયસરનો વરસાદ પાક માટે સંજીવની સમાન સાબિત થશે, જેનાથી ઉત્પાદન સારું મળવાની સંભાવના વધી ગઈ છે.
