વડોદરા જિલ્લાના કરજણ પંથકમાં છેલ્લા દોઢ મહિનાના લાંબા વિરામ બાદ મેઘરાજાએ પુનઃ પધરામણી કરી છે. ગત રાત્રિથી શરૂ થયેલા વરસાદ બાદ આજે વહેલી સવારથી જ કરજણ નગર તેમજ સમગ્ર તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. કરજણમાં ગતરોજ દોઢ ઈંચ વરસાદ ખાબકતાં મોસમનો કુલ વરસાદ 508 મિમી નોંધાયો છે. સિંચાઈના બરાબર ખરા સમયે જ મેઘકૃપા થતાં કપાસ અને મગફળી સહિતના ચોમાસુ પાકોને જીવનદાન મળવાની આશા જાગી છે, જેના કારણે લાંબા સમયથી ચિંતાતુર કરજણના ખેડૂતોમાં ભારે ખુશીની લહેર દોડી ગઈ છે.

ઉંડેરા-રિફાઇનરી રોડ પર 6 ફૂટનો ભુવો

એકતરફ વરસાદથી ખેડૂતોમાં હાસકારો છે, તો બીજી તરફ વડોદરા શહેરમાં નબળી રોડ કામગીરીની પોલ છતી થઈ છે. વડોદરાના ઊંડેરા તળાવથી રિફાઇનરીને જોડતા મુખ્ય રસ્તા પર 5 થી 6 ફૂટનો અતિ મોટો અને ભયાનક ભુવો પડી ગયો છે. આ અતિ વ્યસ્ત મુખ્ય માર્ગ પર અચાનક ગાબડું પડતાં વાહનચાલકો અને સ્થાનિક રહીશોના જીવ જોખમમાં મુકાયા છે. કોઈ ગંભીર અકસ્માત કે જાનહાનિ સર્જાય તે પહેલાં તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ભુવો પૂરવામાં આવે તેવો સ્થાનિકો આગ્રહ રાખી રહ્યા છે.

દોઢ વર્ષ જૂના રોડની કામગીરી સામે સવાલો

માત્ર એકથી દોઢ વર્ષ પહેલાં જ બનેલા આ મુખ્ય રોડ પર ટૂંકા જ સમયમાં મોટો ભુવો પડી જતાં પાલિકા તંત્ર અને કોન્ટ્રાક્ટરની કામગીરીની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિક શબ્બીર ચૌહાણ સહિતના રહીશોએ તંત્ર સમક્ષ ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિકોની માંગ છે કે માત્ર ભુવો પૂરવા પૂરતી કામગીરી કરવાને બદલે સમગ્ર રોડના નિર્માણની ગુણવત્તાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો રોડ બનાવવામાં બેદરકારી જણાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો : Anand News : પેટલાદના 70 વર્ષીય વકીલને ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ.70 લાખની ઠગાઈ, વડોદરા અને અમદાવાદમાંથી 2 આરોપી ઝડપાયા



ઉંડેરા રોડ પર ભૂવો પડતાં તંત્રનો ભ્રષ્ટાચાર છતો થયો!