દક્ષિણ ગુજરાતમાં સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વલસાડની મુલાકાત લઈને પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. વલસાડ જિલ્લામાં પૂરના કારણે પ્રભાવિત થયેલા 12,376 લોકોને તાત્કાલિક સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા અને રાહત કામગીરીને ઝડપી બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વલસાડ માટે ખાસ 17 ઉચ્ચ અધિકારીઓની ફાળવણી કરવામાં આવી છે.

ઔરંગા નદીના પૂલ અને રેલવે સ્ટેશનની મુલાકાત

બેઠક બાદ મંત્રીએ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ઔરંગા નદીના પૂલ પર જઈને પાણીના સ્તર અને આસપાસના વિસ્તારોની સ્થિતિ ચકાસી હતી. આ ઉપરાંત, તેમણે વલસાડ રેલવે સ્ટેશનની મુલાકાત લઈને ત્યાં અટવાયેલા મુસાફરો સાથે સીધી વાતચીત કરી તેમની હાલચાલ પૂછી હતી. વહીવટી તંત્રને મુસાફરો અને સ્થાનિક લોકો માટે ભોજન અને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યા હતા.

પૂર બાદની સ્થિતિ માટે એક્શન પ્લાન

પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે મંત્રીએ સમગ્ર વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવા અને આરોગ્ય કેમ્પ યોજવા ખાસ સૂચના આપી હતી. સડેલા અનાજ અને કચરાનો યોગ્ય નિકાલ કરવા તેમજ અસરગ્રસ્તોને તાત્કાલિક ધોરણે કેશડોલ્સ અને રાશન કિટ વિતરિત કરવા આદેશો અપાયા છે. આ ઉપરાંત, પૂરના કારણે થયેલા આર્થિક નુકસાન સામે લોકોને વળતર ઝડપથી મળે તે માટે વીમા કંપનીઓ સાથે બેઠક કરીને વીમા ક્લેમની પ્રક્રિયા ઝડપી બનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Monsoon 2026 : ઉમરગામમાં 36 કલાકમાં 51.56 ઇંચ વરસાદથી જળપ્રલય, મદદ માટે આર્મી તૈનાત